Showing posts with label word power of narendra modi. Show all posts
Showing posts with label word power of narendra modi. Show all posts

Wednesday, May 7, 2014

વર્ષ 1998, ગામ ગોંડલ,કામ પ્રજાના હ્રદયમાં કમળ છાપવાનું


અટલ યુગનો પવન સુસવાટા મારતો હતો. 27 ફેબ્રુઆરી 2002ના ગોઝારા દિવસને હજુ 4 વર્ષ જેટલો સમય બાકી હતો. વર્ષ 1998.વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગતા હતાં.ગુજરાતના મુખ્યમંત્રી દિલીપ પરીખ હતા અને કેશુ સવદાસ ભાઈ પટેલ ફરીવાર ગાંધીનગર પર કબ્જો કરવાની ગોઠવણમાં વ્યસ્ત હતાં.રાજકીય સભાઓ પૂરજોશમાં હતી.હવેનું દ્રશ્ય કંઈક આવ હતુ, કેસરી રંગના કમળ(બોર્ડર લીલા રંગની) ખિસ્સામાં ખોસી કાર્યકરો દોડાદોડ કરે છે. ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપની સભા યોજાવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આસપાસના ગામમાંથી માણસો લઈ જવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. ઉમેદવાર જયરાજ ટેમુ ભા જાડેજાને જીતાડવા સ્થાનિક ભાજપ દોડધામમાં વ્યસ્ત.બસ હવે એક સભા થઈ જાય તો જીતી શકાય એવી આશ.આયોજન મુજબ સભા પણ યોજાઈ અને વક્તા કોણ?એક દાઢીધારી અને ઝભ્ભા લેંઘામાં સજ્જ ભાજપના કેન્દ્રીય નેતા.આસપાસના ગામમાંથી માણસોની વ્યવસ્થા થઈ ગઈ હતી.સભા શરૂ થઈ અને આ નેતાએ ભાષણ ચાલુ કર્યું, સભા પુરી થઈ અને વિરપુર(જલારામ)થી ગોંડલ પહોંચેલા એક મતદારને એક ટીનએજરે પૂછ્યુ કે, શું થયું ભાજપ કે કોંગ્રેસ?.જવાબ સાંભળવા જેવો હતો(જોકે તમારે વાંચવા જેવો).અરે ભાઈ આ માણસ તો હ્રદયમાં કમળ છાપીને ચાલ્યો ગયો. ચૂંટણી પરિણામો જાહેર થયા 182માંથી ભાજપ 117 સીટ્સ સાથે સત્તા પર આવ્યો અને કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા..

ત્યાર બાદ લગભગ 3 વર્ષ વીતી ગયા.26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવ્યો, સરકાર પુનર્વસનમાં નિષ્ફળ ગઈ.સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષની દુર્દશા થઈ અને ભાજપના મોવડી મંડળે નેતૃત્વ પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો અને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદે બેસાડ્યા.વજુભાઈએ રાજકોટ બેઠક ખાલી કરી મોદીને પેટા ચૂંટણી લડાવી અને જીતાવી પણ ખરી.તેઓ પડદા પાછળના દિગ્ગજ ખેલાડી પણ ક્યારેય ચૂંટણી લડી ન હતી.આ તેનો ચૂંટણી જંગમાં ઉતરવાનો પહેલો અનુભવ હતો. ગાદી સંભાળવા સાથે જ ગુજરાતને પણ સંભાળી લીધુ, એવામાં 4 મહિનામાં ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ એસ 6માં આગ લાગી અને 59 કાર સેવકોનો મોત થઈ ગયા.

આ ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. ત્યાર બાદ ઘણું બધુ બન્યું અને આ ઘટનાના હજુ પણ પડઘાઓ પડી રહ્યા છે અને કદાચ પડતા રહેશે.મુખ્યમંત્રી મોદી પર પદ છોડવાના પણ દબાણો થયા.થોડાં સમયમાં ગુજરાતમાં રમખાણોની રાખ ઠંડી પડી ગઈ અને મુખ્યમંત્રી ગુજરાત ગૌરવ યાત્રા લઈ નીકળ્યા. નાના ગામો અને 20-25 માણસો સામે એક સમીકરણ બેસાડ્યું કે કોંગ્રેસ ગુજરાત વિરોધી છે. દેશના ઘણાં લોકો ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે, ગુજરાતીઓને દેશભરમાં બદનામ કરે છે.કોંગી મિત્રો કહે છે આપણે રમખાણીયા છીએ.લોક લાગણી જીતવાનો આથી વધુ સારો નુસખો ધ્યાનમાં હોય તો કહેજો.આ રમખાણોની પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફે યુ.એનમાં ટીકા કરી.જેનો જવાબ મોદીએ મિયાં મુશર્રફ સંબંધોન કરીને આપ્યો.આ સંબોધનથી મોદીએ એક તીરથી અનેક નિશાન પાર પાડ્યા.

થોડાં સમયમાં જ વિધાનસભા ચૂંટણી આવવાની હતી.આ દરમિયાન જ મુખ્યમંત્રીને તત્કાલીન ચૂંટણી કમિશનર જે.એમ લિંગ્દોહ સાથે ચૂંટણી જાહેર કરવાને લઈ વાંકુ પડ્યું અને મુખ્યમંત્રીએ તેને જે.એમ લિંગ્દોને બદલે જેમ્સ માઈકલ લિંગ્દોહ કહીને સંબોધ્યા.આઉટલૂક મેગેઝીનના અહેવાલ મુજબ, આ પહેલા લિંગ્દોહે ગુજરાતના અધિકારીઓ માટે અસભ્ય શબ્દ વાપર્યા હતા.આ મુદ્દો ખૂબ ચગ્યો.તેના આ શબ્દ ચાતુર્યના ઘણા અર્થ કરવામાં આવ્યા.ઘણાએ તો ત્યાં સુધી કહ્યું કે લિંગ્દોહને ક્રિશ્ચિયન તરીકે રજૂ કરવા મુખ્યમંત્રીએ આ શબ્દ પ્રયોગ કર્યો.

આ સમયગાળામાં જ ચતુરાઈ પૂર્વક બોલેલુ વાક્ય વાંચો, 'દેશભરના કહેવાતા ખેરખાંઓ કાન ખોલીને સાંભળી લે,આલિયા, માલિયા જમાલિયાઓ ગુજરાતને બદનામ કરવાની કોશિષ કરશે તો ગુજરાત હવે સાંખી નહીં લે'. ચૂંટણી દરમિયાન વારંવાર આ શબ્દોનો ઉપયોગ કર્યો.વિધાનસભા ચૂંટણીઓ જાહેર થઈ અને 12-12-2002 મતદાનની તારીખ નક્કી થઈ.ચૂંટણી દરમિયાન મોદીએ મતદાન તારીખ 12 હોવાથી 12મી તારીખે કોંગ્રેસનું બારમું કરી નાંખવા આહવાન કર્યું.  ભાજપ હિન્દુત્વને મુદ્દો બનાવી ચૂંટણી લડ્યો. પ્રચાર દરમિયાન મોદીએ  અને કોંગ્રેસને પછાડી 127 સીટ્સ કબ્જે કરી. મુખ્યમંત્રીએ અમદાવાદમાં વિજય સંમેલન કર્યું અને ઉપસ્થિતોને અભયમ..અભયમ..અભયમનો નારો આપી એક સંદેશ આપ્યો કે, ડરો નહીં.રમખાણો બાદ ગુજરાતની સ્થિતિને ધ્યાનમાં લઈ તેઓ આ શબ્દો હોંશિયારી પૂર્વક બોલ્યા.ત્યાર બાદ પાંચ વર્ષ સુધી સફળતા પૂર્વક ગુજરાત ચલાવ્યુ અને પાંચ કરોડ ગુજરાતીઓની માળાઓ જપી અને લોકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓ પણ શરૂ કરી.

જેમાંની સૌથી પ્રસિદ્ધ અને સફળ એટલે જ્યોતિગ્રામ. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પહોંચાડવા માટે લોકને સ્પર્શતુ નામ રાખી આ યોજના શરૂ કરી.ત્યાર બાદ સુજલામ સુફલામ અને વાઈબ્રન્ટ ગુજરાત,નવરાત્રિ મહોત્સવ,આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ અને સખી મંડળ જેવી યોજનાઓ લાગુ કરી. ન.મોની યોજનાઓના નામો ભારતીય અને સંસ્કૃતિને સ્પર્શ છે.કોઈએ એવુ કહ્યું છે કે, જો પ્રજા પર શાસન કરવું હોય તો તેમને ઉત્સવ અને યોજનાઓના ઘેન રાખવી.કદાચ આ વાક્યને મુખ્યમંત્રીએ એકદમ ગંભીરતાથી લીધુ છે. વર્ષ 2007માં ફરી વિધાનસભા ચૂંટણીઓ આવી.ન.મોએ આ વખતે પાંચ નહીં સાડાપાંચ કરોડ ગુજરાતીઓને એક સવાલ કર્યો કે તમારે 'જ્યોતિગ્રામ જોઈએ છે કે નંદીગ્રામ', 'મેં આલિયા, માલિયા, જમાલિયા, માફીયા ઔર ટપોરી, ઈન સબકો ગુજરાત કી ધરતી સે ભગા દુંગા'.આ ચૂંટણીમાં સૌથી સફળ બે પંચ લાઈન રહી એક તો જીતેગા ગુજરાત અને ખાતો નથી ખાવા દેતો નથી. 'મૌત કા સૌદાગર'ને ઉલ્ટાવી કોંગ્રેસ વળતો હુમલો કર્યો.આ ચૂંટણીમાં પણ જ્વલંત વિજય મેળવી ગાદી પર બેસી ગયા.

આ કાર્યકાળ દરમિયાન વાંચે ગુજરાત, ખેલ મહાકુંભ, ચીરંજીવી યોજના, ગુણોત્સવ, કૃષિમેળા, ગરીબ કલ્યાણ મેળો, બાળ સખા યોજના, મમતા અભિયાન, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના,ગુજરાતને 50 વર્ષ થવા નિમિત્તે સ્વર્ણિમ ગુજરાત વર્ષ.આ ગાળામાં 2009માં 15મી લોકસભા ચૂંટણી યોજાઈ. પ્રચાર અભિયાનનો ભાર મોદીના ખભે હતો અને વડાપ્રધાન પદના ઉમેદવાર એલ.કે અડવાણી હતાં.આ પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસના ટોચના ત્રણ માથા સોનિયા, રાહુલ અને પ્રિયંકાને એસઆરપી કહ્યા.જોકે તેમછતાં ભાજપ લોકસભા ચૂંટણી હારી ગયો.ત્યાર બાદ મુખ્યમંત્રીએ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી.ઈન્ટરવ્યુમાં એક જ વાત 'કુછ બનને કે નહીં કુછ કરને કે સપને દેખો'. આ ચૂંટણી પહેલા જ સદભાવના લઈને મેદાનમાં ઉતર્યા અને દરેક જિલ્લામાં જઈ એક દિવસના ઉપવાસ કરી નાણાકીય ફાળવણીઓ કરી(આ નાણા જે તે જિલ્લાને મળ્યા કે નહીં?).

2012ની વિધાનસભા ચૂંટણીઓ શરૂ થઈ હવે મુખ્યમંત્રીએ ગુજરાતીઓની સંખ્યા વધારીને છ કરોડ કરી અને સૌનો સાથ સૌનો વિકાસ સાથે મત માગવા નીકળ્યા.હાં દેખો દેખો કૌન આયા ગુજરાત કા શેર આયાનો નારો લાગતો જાય અને નમો પ્રચાર કર્યે રાખે.હવે તેનું નિશાન બન્યા વડાપ્રધાન મનમોહનસિંહ તેમણે તેને મૌન મોહનસિંહ કહી સંબોધવાનું શરૂ કર્યું તો સોનિયાને મેડમ અને રાહુલને શહેજાદા. આ નામથી જનમાનસમાં એક સંદેશ જાય કે, સોનિયા તો મેડમ એટલે કે સામાન્ય માનવી સાથે સંકળાયેલા નથી, યુવરાજ શહેજાદા એટલે રાજ કુમાર તેને અને આમ આદમી સાથે કોઈ સીધો સંપર્ક નહીં, ટૂંકમાં કહીએ તો જમીનથી જોડાયેલા નહીં અને મૌન મોહનસિંહ એટલે હંમેશા રાષ્ટ્રીય સમસ્યાઓ પર મૌન રહેતા વડાપ્રધાન. ચૂંટણી નારો હતો એકમત ગુજરાત બને ભાજપ સરકાર.જેનો સીધો અર્થ કે ભાજપ મામલે ગુજરાત એક મત છે.

ગાંધીનગરમાં એક મજુરીયો મોકલો. નિયો મીડલ ક્લાસ(વર્ષોથી પીડાતા મધ્યમ વર્ગને નજરમાં રાખીને). વર્ષોથી સત્તા વિરોધી લહેર માટે વપરાતા અંગ્રેજી વાક્યને એન્ટી ઈન્કમ્બન્સીને બદલે પોતે સત્તામાં હોવાથી પ્રો ઈન્કમ્બન્સી હોવાની વાત કરી. રાજ્યની તિજોરી પર પંજો નહીં પડવા દઉં.2જી(સ્પેક્ટ્રમ કૌભાંડ) અને જીજાજી(રોબર્ટ વાડ્રા). નમોએ તેના શબ્દબળે સતત ત્રીજી વિધાનસભા ચૂંટણી જીતી બતાવી.હવે તેને દિલ્હી નજીક લાગવા માંડ્યું અને ગાંધીનગરથી મોદી ટ્રેન નીકળવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ.વડાપ્રધાન પદ અંગે આજે પણ પૂછો તો આવો જવાબ આવે.હું તો પક્ષનો નાનો કાર્યકર છું.જે પક્ષ સોંપે તે જવાબદારી સંભાળુ છું, આવુ તો કંઈનું કંઈ બોલે.

ફેબ્રુઆરી 2013માં શ્રીરામ કોલેજના વિદ્યાર્થીઓને મંત્ર આપ્યો પી2 (પ્રો-પીપલ) અને જી2(ગુડ ગવર્નન્સ). વિધાનસભામાં હેટ્રીક માર્યાના લગભગ 9 મહિનામાં જ 16મી લોકસભા માટે પહેલા ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને થોડા સમયમાં જ વડાપ્રધાન પદના ઉમેદવાર બની ગયા. ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કર્યો. તેમણે લોકોને કહ્યું હું ચૂંટણી નથી લડતો પણ દેશ લડે છે. ત્યાર બાદ છપ્પન ઈંચની છાતી, કોંગ્રેસને અનુલક્ષીને તેઓ નામદાર છે હું કામદાર છું.દેશને શાસક નહીં સેવક જોઈએ.શહેજાદા અને મેડમ શબ્દનો ભરપૂર ઉપયોગ કર્યો. એસઆરવીપી(સોનિયા, રાહુલ, વાડ્રા, પ્રિયંકા).આંખ દીખાકર નહીં આંખ મિલાકર કામ કરને કા સમય(વિદેશ નીતિ મામલે રજૂ કરેલો વિચાર).

સમર્થકોના હર હર મોદીના નારા સાથે જંગી સભાઓ.સભામાં લોકોની તોતિંગ હાજરી બતાવવા જહાં ભી નજર પહુંચ રહી હૈ, મુંડ હી મુંડ હૈ. ધાર્મિક લાગણી દુભાતા પોતાને આ નારાથી અલગ કર્યા.પીંક રિવોલ્યુશન(માંસની નિકાસની ટીકા સંદર્ભે), મર જવાન મર કિસાન(ખેડૂતોની દુર્દશા અને જવાનોના માથા વઢાવાની ટીકા).ન્યૂઝ ટ્રેડર કા સબ ખેલ હૈ(મીડિયાની ટીકા સંદર્ભે). કોંગ્રેસ કો સાંઠ સાલ દીયે મુજે સાંઠ મહિને દીજીયે.મેં કહેતા હું ભ્રષ્ટાચાર હટાઓ, મહેંગાઈ હટાઓ વો કહેતે હૈ મોદી હટાઓ.ડર્ટી ટીમ હટાઓ ડ્રીમ ટીમ લાઓ.તીન AK પાકિસ્તાન કી મદદ કર રહે હૈ, AK47(રાઈફલ) AK49(અરવિંદ કેજરીવાલ અને AK(સંરક્ષણ મંત્રી એન્ટોની).સરકાર સંવિધાન સે ચલતી હૈ(સંઘની સરકાર પર પકડને લઈ આપેલો જવાબ).મત વિસ્તાર વડોદરામાં સભા દરમિયાન મુખ્યમંત્રીએ એક જ શબ્દમાં ચૂંટણી વિજય પાક્કો કરી લીધો.તેમણે કહ્યું કે, મારી સામે લાખો નરેન્દ્ર મોદી બેઠા છે.વારણસીમાં ઉમેદવારી કર્યા બાદ ફરી તેમણે શબ્દ શક્તિ બતાવી અને કહ્યું'ન મુજે કીસીને ભેજા હૈ, ન મેં યહાં આયા હું, મુજે તો મા ગંગાને બુલાયા હૈ' અને અંતે તેમનો ચૂંટણી નારો 'ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર અબ કી બાર મોદી સરકાર'.'નીચી જાતિ કા હું નીચ રાજનીતિ નહીં કરતા હું'.મોદીને તેના વાકાચતુર્ય, પુરૂષાર્થ અને નિયતિએ વડાપ્રધાનની ખુરશી અપાવી દીધી અને તે પણ ઐતિહાસિક વિજય સાથે,હવે તેમના વચનો પર ખરા ઉતરે છે કે નહીં તેનો રિપોર્ટ 5 વર્ષ બાદ માગીશુ.

વર્ષ 1998માં ગોંડલમાં આવીને કોંગ્રેસીઓના દિલમાં પણ કમળ છાપી દેનારા બીજું કોઈ નહીં, પણ વડાપ્રધાન બનવા થનગની રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતાં.