Wednesday, September 25, 2013

એકલતા, અવગણના અને અશરીરી પ્રેમની સંવેદનાઓથી ભરેલું છે 'ધી લંચબોક્સ'

આ બ્લોગની પ્રથમ પોસ્ટ ફ્રેન્ડશીપ ડે નિમિત્તે આવી હતી. પહેલી પોસ્ટમાં મિત્રો, વાચકો અને માર્ગદર્શકોએ આપેલી પ્રતિક્રિયાઓએ મને વધુ કંઈક અલગ લખવા કે કરવા માટે પ્રેર્યો. પહેલી પોસ્ટમાં મળેલા અકલ્પનીય પેઈજ વ્યુ(500) અને કોમેન્ટ્સથી મારું દિલ પણ નર્મદા ડેમની જેમ ઓવર ફ્લો થયું ગયું છે, વચ્ચે થોડો સમય લખી શક્યો ન હતો. પરંતુ મિત્રો અને વાચકોએ સતત ડફણા મારતા હવે આળસ ઉતરી છે અને એક નવી પોસ્ટ સાથે આવ્યો છું. 

છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં ટ્રેન્ડ બદલાયો છે. 'ચેન્નઈ એક્સપ્રેસ' અને 'ગ્રાન્ડ મસ્તી' જેવી નબળી ફિલ્મ્સ ચાલી ગઈ છે.અમે વાત આ ટ્રેન્ડની નહીં પણ એક બીજા જ ટ્રેન્ડની વાત કરી રહ્યાં છીએ. અરે, ભાઈ 'બી.એ પાસ', 'મદ્રાસ કાફે' અને 'ધી લંચ બોક્સ' જેવી ફિલ્મ્સને પણ દર્શકોએ આવકારી છે. હિન્દી ફિલ્મ જગતનું આ એક સકારાત્મક પાસુ ઉભરી આવ્યું છે.

ગત શનિવારે ઓસ્કરની ફોરેન લેંગ્વેજ કેટેગરી માટે ભારત તરફથી 'ધી લંચ બોક્સ'ને બદલે ગુજરાતી ફિલ્મ 'ધી ગુડ રોડ'ને મોકલાવાનો નિર્ણય થઈ ચૂક્યો છે. આ સ્પર્ધામાં 'લંચબોક્સ' જેવી ઉત્તમ કક્ષાની ફિલ્મ પાછળ રહી જાય તે કેમ બની શકે.

રિતેષ બત્રાની 'ધી લંચબોક્સ' એક સંવેદનશીલ, વાસ્તવિક અને શાશ્વત ફિલ્મ છે. ફિલ્મમાં મહાનગરોમાં જીવતા અને એકાકીપણાથી પીડાતા લોકોની કથા છે. આ ફિલ્મ દર્શકો માટે ઉનાળામાં શેરડીનાં રસની ઠંડક સમાન છે.

આ ફિલ્મમાં એક સરસ મજાનો સંવાદ છે, 'કભી કભી ગલત ટ્રેન ભી સહી જગહ પહોંચા દેતી હૈ' જો તમે ખોટી ટ્રેન પકડી હોય તો પણ તમને સાચી જગ્યાએ પહોંડ્યા છે.બીજે ક્યાં?મારા બ્લોગ પર જ સ્તો.
આ ફિલ્મની વાર્તામાં ઘણાં પાત્રોની આસપાસ ગુંથવામાં આવી છે, પણ નિર્દેશકની સુઝને કારણે ઘણાં પાત્રો વચ્ચે વચ્ચે ખલેલ પહોંચાડવા અને ફુટેજ ખાવા આવતા નથી, ઘણાં પાત્રો અદ્રશ્ય છે.જોકે તેમછતાં તેમની હાજરી અને મહત્વને અવગણી શકો નહીં.આ કોઈ ફિલ્મ નહીં નહીં પણ એક જિંદગી છે.

ઓફિસમાં બપોરે ડબ્બા વાળાની જોવાતી રાહ, સાંજે પ્લાસ્ટીકની કોથળીમાં પાર્સલ થયેલા રોટલી અને શાક અને આ પાર્સલ અથવા ટીફિન ખોલવાનો રોમાંચ.આ કથા મુંબઈ જેવા મહાનગરમાં આકાર લઈ શકે. મુંબઈગરાઓ ડબ્બા વાળાની મહેબૂબાની માફક રાહ જોતા હોય છે. તેમાં પણ ક્યારેક આ વાત સાચી પણ બની જાય છે.જિંદગીમાં ગમે ત્યારે એક અણધાર્યો વળાંક આવી શકે છે, તેના કોઈ ટાઈમ ટેબલ હોતા નથી. ફિલ્મમાં પણ વિધુર અને એકાકી સાજન ફર્નાન્ડીઝ(ઈરફાન ખાન)નાં જીવનમાં એક વળાંક આવે છે.

વસ્તીઓથી ખદબદતા શહેરોમાં માણસ કેટલો માણસથી અલગ થઈ ગયો છે અથવા કહો કે થઈ રહ્યો છે.તેનું ઉત્તમ ઉદાહરણ આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે.સાજન સરકારનાં ક્લેઈમ ડિપાર્ટેમેન્ટમાં કામ કરે છે અને નિવૃત્તિનાં ઉંબરે ઉભો હોય છે. તે બપોરે લોજમાંથી ટીફીન મંગાવીને જમતો હોય છે અને સાંજે પાર્સલ લઈ જઈને જઠારાગ્નિ ઠારે છે.

ડબ્બામાં આવતું ભોજન તેની જઠારાગ્નિ તો ઠારી દે છે પરંતુ એકાકીપણુ દૂર કરી શકતું નથી. એક દિવસ નિયતિ તેની આ વાત પણ સાંભળી લે છે અને આ ડબ્બો એક દિવસ તેની એકલતા દૂર કરવા માટે મદદે આવે છે.જ્યારે બીજી તરફ પતિ(નકુલ વૈદ્ય)ની અવગણનાનો ભોગ બનેલી ઈલા(નિમ્રત કૌર) ગમે તેમ કરીને પતિને રીઝવવા પ્રયાસ કરે છે. તે પતિ માટેનાં ભોજનમાં કંઈક અલગ કરવા સતત પ્રયાસોમાં હોય છે.તો ક્યારેક હનીમૂન પર પહેરેલો ડ્રેસ આજે કેટલો ટાઈટ થાય છે તેવા સંસ્મરણો યાદ કરે છે, પણ બિચારી ઈલાનો તો પતિનો સાથેનો તાર જ તૂટી ગયો હોય છે. આ પાત્રો આપણી આસપાસનાં જ છે.

તે વારંવાર ઉપરનાં માળે રહેતા એક વૃદ્ધા(આરતી આચરેકર)ને સાદ આપે છે અને ભોજનની રેસિપિ લેતી રહે છે. માત્ર ભોજનની રેસિપિ જ નહીં ઓડિયો કેસેટ ચડાવી સાજનનાં ગીતો પણ સાંભળતા હોય છે.એક પુત્રીની મા એવી ઈલાનો પતિ જિંદગીની ભાગદોડમાં પત્નીને પ્રેમ કરવાનું જ ભૂલી ગયો હોય તેમ લાગે છે. ઈલાનાં પતિનું ટીફીન ડબ્બા વાળા રોજ લઈ જાય છે. પરંતુ એક દિવસ ટીફીન સાજનનાં ટેબલ પર પહોંચી જાય છે. ટીફીનનું સ્વાદીષ્ટ ભોજન લઈને સાજન તો ખુશ થઈ જાય છે, તે ડબ્બાને ચાટી જાય છે.

એક દિવસ ઈલા પતિને પૂછે છે કે, ભોજન કેવું હતું પતિ જવાબમાં કહે છે, બટાકા ફુલાવરનું શાક સારું હતું.પતિનાં આ જવાબથી ઈલાને આ ડબ્બો પતિ પાસે નહીં પણ બીજા કોઈ પાસે પહોંચી જતું હોવાની ખબર પડે છે.તેના પતિનું કોઈ સાથે લફરું હોય છે. હવે આ વાત ઈલાને કેમ ખબર પડી? નિર્દેશકે આ વાત સિમ્બોલાઈઝ કરી છે.આમ પણ સ્ત્રીઓમાં ગજબની સિક્સ્થ સેન્સ હોય છે.આ બધું તો અનુભવે આવે ભાઈ. અહીં નિર્દેશકે પણ સ્ત્રીને આવી જતી ગંધ ચતુરાઈ પૂર્વક ઉપયોગ કર્યો છે.ઈલા કપડા ધોવા સમયે વારંવાર પતિનાં શર્ટને સુંઘતી હોય છે, ભાઈ, ભાઈ આ જ તો છે ખરા નિર્દેશકની સુઝ.

સાદ આપીને વાતો કરતી આન્ટીની વિનંતિથી ઈલા ટીફીનમાં એક પત્ર મોકલે છે.હવે તો આ ડબ્બા વાળો બિચારો પણ પોસ્ટમેન બની જાય છે, પણ તેને ક્યાં ખબર છે કે, ડબ્બામાં ભોજન સાથે લાગણીઓને વાચા આપતા અને એકલતા દૂર કરતા શબ્દો પણ પડેલા છે.હવે તો પત્રોનો જમાનો ગયો પણ અભિવ્યક્તિ માટે પત્રો વધુ સશક્ત માધ્યમ કદાચ બીજું નથી તેમાં એક ફિલીંગ છે. ફિલ્મમાં પણ સાજનને ભોજન કરતા પત્ર ખોલવાની વધુ ઉત્સુકતા હોય છે. આ તો પત્રશક્તિ છે.સાજનને સ્વાદ અને શબ્દોનું જબરદસ્ત કોકટેલ ટોનિક સાબિત થાય છે. નિરસ અને એકલવાયી જિંદગીમાં લીલુછમ્મ ઘાસ ઉગી નીકળે છે.તો ઈલા માટે સાજનનાં શબ્દો પણ સુકીભઠ્ઠ કચ્છની ધરતીમાં એક વરસાદી હેલી જેવા બને છે. બન્ને વચ્ચેની વાતચીત મળવા સુધી પહોંચે પણ છેલ્લી ઘડીએ સાજન મળ્યા વિના નીકળી જાય છે.આ કેવો પ્રેમ? અશરીરી ઉફ્ફ પ્લેટોનિક ચાલો બસ.

પતિની અવગણનાનો ભોગ બનેલી ઈલા તેના ભાઈની આત્મ હત્યા અને પિતાની માંદગીની વાત કરે છે, અને કહે છે જિંદગીમાં હિમ્મત રાખવી જોઈએ.આથી તે આ દુઃખોથી નાસી છુટવાની લાગણી વ્યક્ત કરવા પત્રમાં એક ચોટદાર સંવાદ લખે છે,સાંભળ્યું છે કે,ભલે ભૂતાનમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન નથી પરંતુ ત્યાં ગ્રોસ ડોમેસ્ટિક હેપ્પીનેસ છે.આ વાત વાંચી સાજન ભૂતાન જવાના(ઈલા સાથે) ખ્વાબ જોવા લાગે છે અને વાત વાતમાં શેખ સાથે ભૂતાન અંગે ચર્ચા કરે છે.

ફિલ્મમાં એક નહીં પણ બે વાર્તાઓ ચાલે છે. એકમાં બે એકલતા અનુભવતા જીવો છે તો બીજી વાર્તામાં લગ્ન વિના માશુકા સાથે રહેતા અનાથ શેખ(નવાઝુ દ્દીન સિદ્દીકી)ની વાત છે.શેખને કોઈ ચિંતા નથી. તે બસ મજાક, મસ્તી અને મોજીલો છે.તે સાજની નજીક આવવા પ્રયાસો કરે છે. શરૂઆતમાં તો સાજન ભાવ આપતો નથી પરંતુ શેખ ધીમે ધીમે તેને પરિવારનો સભ્ય બનાવી લે છે. અનાથ હોવાથી લગ્નમાં તેને પરિવારનાં સભ્ય તરીકે પણ રજૂ કરી દે છે.

સાજન તેની પત્ની સાથે રેકોર્ડ કરેલા 'યે જો હૈ જિંદગી'(80નાં દાયકાની યાદગાર સીરિયલ)નાં એપિસોડ દ્વારા મળાવી દે છે.તો બાથરૂમમાં દાદાજીની યાદ આવી જાય છે. અસલમની માં પણ ક્યાંય જોવા મળતી નથી, પણ તે તેની માએ કહેલા વાક્યોને વર્તમાનકાળમાં જ બોલી દર્શકોને તેનો અહેસાસ કરાવે છે.તે એક વાક્ય સતત બોલે છે કે, 'કભી કભી ગલત ટ્રેન ભી સહી જગહ પહોંચા દેતી હૈ'.તો ઈલાનાં ઉપરનાં માળે રહેતાં આન્ટી તેના પતિ દેશપાંડે અંકલ પથારીવશ છે અને તેનો જીવ પંખામાં હોય તેવું કહેવામાં આવે છે.ક્યાંય પણ આ પ્રકાર સીન નથી, પણ તેનું દ્રશ્ય તમારી કલ્પનાઓમાં તાદ્દશ થાય છે.તો ઈલાનાં કેન્સરગ્રસ્ત પિતાની વાત તેની મા દ્વારા સાંભળવા મળે છે.

ફિલ્મમાં અનેક સિમ્બોલ્સ છે. લોકલ ટ્રેનમાં સાજનને અંકલ કહી સીટ આપતો યુવાન. માતા-પુત્રીની આત્મહત્યાની એક ખબરથી બેચન બનતો સાજન. બે ટ્રેનનું સામ-સામેથી પસાર થવું.પતિનાં કપડા સુંઘતી ઈલા. આ પ્રકારનાં તો અનેક સિમ્બોલ્સ દ્વારા રિતેષ બત્રાએ અનેક વાતો કહી છે. રિતેષે ઘણાં પાત્રો ઘટાડી ફુટેજ બચાવી લીધું છે.હાં આ પાત્રો પાછા તમારી સામે જ રહે છે. વાત વાતમાં અનેક પાત્રો આવે છે પરંતુ સ્ક્રીન પર નહીં. ટ્રેનમાં ડબ્બા વાળાઓએ સંત તુકારામનું શરૂ કરેલું ભજન પણ ફિલ્મ પુરી થતાં સાથે જ પૂર્ણ થાય છે.

ઈરફાન ખાન જેવા ધુરંધર અભિનેતા સામે નિમ્રતે પણ વાસ્તવિક અભિનય કર્યો છે.તેમના ભાવો કોઈ મહાનગરનાં એકલતા અનુભવતા પાત્રો જેવા જ છે. બન્નેએ એકદમ સંતુલિત અભિનય કર્યો છે. ઈરફાનનાં એક એક ભાવો આંતરરાષ્ટ્રીય અભિનેતાને છાજે એવા છે.તેની સુંઘવાની અદા તો...તે ન બોલીને પણ ઘણું બોલી જાય છે. ઈલા પણ ઘરેલું લાગે છે. તેની એક એક તડપ ભાવો દ્વારા અનુભવી શકશો.તો નવાઝુદ્દીન સિદ્દીકી પણ ઈરફાન સામે ટટ્ટાર ઉભો રહ્યો છે.

ફિલ્મનું પિક્ચરાઈઝેશન શાનદાર છે. મુંબઈ શહેર અને ડબ્બા વાળાની સર્વિસ પણ એક એક ફ્રેમમાં જબરદસ્ત રીતે મઢવામાં આવી છે.સિનેમેટોગ્રાફર ફિલ્મમાં સામાન્ય માણસની ભાગદોડથી લઈને જીવનચર્યા કેમેરામાં ઝીલવામાં પણ સફળ રહ્યાં છે. તો બેકગ્રાઉન્ડ મ્યૂઝીક પણ એક પાત્ર બનીને સામે ઉભરી આવે છે.

આ ફિલ્મ અંગે એક વાક્યમાં કહેવું હોય તો,'મેરા દિલ ભી કિતના પાગલ હૈ યે પ્યાર તો તુમસે કરતા હૈ...' સાથે 'ધી લંચબોક્સ'નો સ્વાદ માણીને છુટા પડીએ.