Sunday, August 4, 2013

2 IDIOTS : હમ ફકીરોં સે દોસ્તી કરલો ગુર શીખા દેંગે બાદશાહી કે...

'રાંઝણા'ની 'આશિકી' હવે ઉંઘી ગઇ છે. આ પહેલાં 'યે જવાની હૈ દિવાની'નાં પણ દુખણા લીધા છે. આ બન્ને ફિલ્મ્સમાં એક વાત સામાન્ય હતી. બોલો કઇ? અરે, ભાઇ બીજી કઇ હોય. અફકોર્સ ફ્રેન્ડશીપની. બન્ને ફિલ્મ્સમાં નાયકોની સાથે સતત મિત્રો ફરતા જોવા મળે છે. હાં પાછા બન્નેમાં નાયકનાં મેલ-ફિમેલ ફ્રેન્ડ્સ હોય છે. ફિમેલ ફ્રેન્ડ જ હોય છે હો. હાં 'રાંઝણા'માં દિલોજાનથી ચાહતી અને માશુકા બનવા માગતી બિન્દીયા મિત્રા બનીને પણ સતત કુંદનની સાથે હોય છે. અને મુરારી તો તેનો પડછાયો જ બનીને સાથે રહે છે. આ રીતે સાથે રહેતા મિત્રને કાઠીયાવાડીમાં પૂછડુ પણ કહેવાય.

સિનેમાથી લઇને વાસ્તવ જિંદગીમાં પણ આ પ્રકારનાં પૂંછડાઓ જોયા જ નથી બન્યા પણ છીએ. અરે, પણ આજે આ 'રામાયણ' શુ કામ? આજે ફ્રેન્ડશીપ ડે છે ભાઇ. સાથે સાથે કિશોર દાનો જન્મ દિવસ. યાદ કરો 'શોલે'નું 'યે દોસ્તી હમ નહિં તોડેંગે...'. અને મારો પણ જન્મ દિવસ એક બ્લોગર તરીકે તો આજે જ થયો કહેવાયને.તો ચાલો એક અજાણી મૈત્રી કથાની એક પછી એક સ્લાઇડ ફેરવતા જઇએ.

'ચમેલી કી શાદી', 'લવ લવ લવ' અને 'સાહેબ' જેવી ફિલ્મ્સ રીલિઝ થઇ તે આ સમય હતો. 'કયામત સે કયા મત તક', 'દિલ હૈ કી માનતા નહીં', 'મૈને પ્યાર કિયા'ને રીલિઝ થવામાં હજુ વાર હતી. હજુ 'ક્યા કભી લડકા ઔર લડકી દોસ્ત હો શકતે હૈ?' જેવા સવાલો ખાસ ઉઠતા ન હતાં. આ કાળમાં પાંચીયુ, દશીયુ, પાવલી અને આઠઆની પણ ચલણમાં હતાં. હા ભાઇ હા, ટેલિગ્રામ પણ હતા પણ ડિવીડી પ્લેયર ન હતાં. આ સમયે 'બુનિયાદ' 'રામાયણ' અને 'મહાભારત' જેવી સીરિયલ્સ દુરદર્શન પર પ્રસારિત થતી હતી.અરે હા 'બુનિયાદ' ફરી શરૂ થઇ છે.

આ તો કાળનું ભાન કરાવવા આટલી લાંબી લપ લખી છે. વર્ષ તો પાક્કુ યાદ નથી પણ આ વાર્તાની શરૂઆત લગભગ 1986-87માં થઇ હશે. આ મારી સામે ઘટેલી ઘટના છે પરંતુ ત્યારે હજુ હું પહેલા ધોરણમાં કદાચ ભણતો હતો!!! આ ઘટના હજુ પણ મને તાજીમાજી લાગે છે.

ચાલો, હવે આપણે મુદ્દા પર આવીએ. આજે વાત કરવી છે. બે મિત્રોની અને 25 વર્ષથી અણનમ મૈત્રીની.  

પાંચ-સાત હજારની વસતી ધરાવતા એક નાના પણ વિશ્વ પ્રસિદ્ધ ગામની એક સાંકડી ગલીનાં એક ઓટલે, એક 6 અને એક 4 વર્ષનાં બે ટેણીયાઓનું મિલન થયું. એક શિક્ષિત અને એક થોડું ઘણું વાંચી જાણે તેવા પરિવાર માંથી આવતા હતાં. નાનાનું નામ મોહનીયો અને મોટાનું નામ રોહનીયો, રોહનીયો પહેલા ધોરણમાં અને મોહનીયો બાલમંદિરમાં ભણતો હતો.મોહનીયાને તો બાલમંદિરમાં જ
ABCD આવડતી હતી.આખરે તો તેના ઘરમાં સરસ્વતી વહેતી હતી. પણ રોહનીયો પહેલાં ધોરણમાં હજુ માંડ માંડ એકડો ઘૂંટતા શીખતો હતો. પછી તો મોહનીયો પહેલા ધોરણમાં આવ્યો બંને રોજ સાથે નિશાળે  જવા લાગ્ય।. પરંતુ, બન્નેના પરિવારને આ  ટેણીયાઓની દોસ્તી પ્રત્યે થોડી ઘણી સૂગ હતી. બંનેના પરિવારે એક બીજાને ન મળવાની સૂચનાઓ આપી દીધી.પરંતુ, આ સૂચના માત્ર સૂચના જ રહી ગઇ. હિન્દીમાં કહેવત છેને કે 'કભી નહીં જાતિ વો જાતિ હૈ'.આ બન્નેના પરિવારો સવર્ણ તો પણ ખબર નહીં આ સવર્ણો પણ કેમ અંદરો અંદર અસ્પૃશ્યતા રાખતા હશે?. હિન્દુ ધર્મની અધોગતિનું મૂળ એવી જ્ઞાતિપ્રથા આ બંન્નેની મૈત્રી વચ્ચે આવતી હતી. પરંતુ 'એકવાર દો જીસ્મ મગર એક જાન' થયા પછી હજારો કુપ્રથાઓ ધુળ ચાટતી થઇ જાય છે.

કોને ખબર કદાચ અહીંથી જ તેમનામાં વિદ્રોહનો જન્મ થયો હોય તેમ પણ બની શકે.એય તારે પછી તો કુતરાઓને ભગાડવાથી લઇને આંધળો પાટો જેવી રમતો રમવા લાગ્યા અને મનમોહન દેસાઇની ફિલ્મનાં નાયકોની જેમ ફટાફટ કિશોર બની ગયા. આ ગાળામાં 'મૈને પ્યાર કિયા', 'કયામત સે કયામત તક' અને 'દિલ હૈ કી માનતા નહીં' રીલિઝ થઇને સુપરહિટ પણ થઇ. 'દિલ હૈ કી માનતા નહીં'ની ટોપી અને 'મૈને પ્યાર કિયા'ની કબૂતર ચિતરેલી ચડ્ડીઓ પણ પહેરી લીધી. હાં બન્ને એક સાથે શાહરૂખની 'ડર' જોવા ગયા અને રીશી કપૂરની 'કસક' જોઇને આવ્યા.

આ ઉંમર ઘણી નાની કહી શકાય તો પણ નાગરવેલનાં પાન જેવી લાગણીઓ પણ લીલી થઇ ગઇ અને ગ્રીનરી ગમવા લાગવી. ન સમજ્યાને આ બેય સાલાઓને છોકરીઓ ગમવા લાગી.આ પ્રકારનાં ઉત્તમ કાર્યો માટે નવરાત્રિથી શ્રેષ્ઠ શું હોઇ શકે. બોલો, બંન્નેને દાંડીયા રાસ રમતી છોકરીઓ ગમવા લાગી. પછી તો નવે નવ દિવસ પોત પોતાની મનપસંદ ગરબે ઘુમતી અને ગમતી છોકરીઓ પર ફુલો ઉડાડવા લાગ્યા દિલમાં પતંગિયા ઉડે તો સ્વભાવિક છે કોઇ છોકરી પર ફુલ પણ ઉડે હો. આ કામ પણ સાથે મળીને જ કરતા.રોહનીયો તો આમ પણ મોહનિયાની ઘરે જ પડ્યો પાથર્યો રહેતો હતો. પરણીને સાસરે ગયો હોય એમ જ. તેની આ ટેવ પાછળનું કારણ મોહનિયાનાં ઘરનું રંગીન ટીવી અને સાથે છાપા તો લટકાના હો. આખો દિવસ ફિલ્મ અને ક્રિકેટ જોવાનું અને વાંચ્યે રાખવાનું અને મજા મજા કરવાની. હવે બન્નેનાં પરિવારો પણ સમજી ગયા કે આ બન્નેને નિયતિ સિવાય અલગ કરવાની તાકાત અને ઔકાત કોઇનામાં નથી તો આપણે તો પામર મનુષ્ય છીએ.પેલી મનગમતી છોકરીઓ હવે પાછળ છુટી ગઇ.હવે તો ભાઇ ટીનએજર બની ગયા અને રોહનીયો તો એસ.એસ.સી બોર્ડમાં આવી ગયો હતો. જ્યારે મોહનીયાને તો આ અનુભવ માટે બે વર્ષની રાહ જોવી પડે તેમ હતી. 

આ દરમિયાન બંન્નેએ ગુજરાતી લેખકોની કોલમ,પુસ્તકો, ક્રિકેટ,વિવેકાનંદનાં લખાણો વાંચ્યા ફિલ્મ્સ તો યાર જોતા જ હોયને એ તો બાળપણથી ટેવ ધરાવતા હતાં. જ્યારે, શાળાકાળથી છાપા વાંચવાની પાડવામાં આવેલી ટેવ તો ઘોળીને પી ગયા.આ ધમાલ મસ્તી વચ્ચે રોહનીયાની મુશ્કેલીઓ શરૂ થઇ તેમણે બોર્ડમાં નાપાસ થવાની હેટ્રીક લગાવી આ તો બનવાનું જ હતું તે ક્રિકેટનો આશક જો હતો. બિચારાએ ગલી ક્રિકેટમાં તો કોઇ દિવસ હેટ્રિક ન લીધી પણ બોર્ડમાં ચોક્કસ નિશાના પર તીર માર્યું હો ભાઇ. હવે નાપાસ થયેલો માણસ નાસીપાસ પણ થાય તે સ્વભાવિક છે. પરંતુ જેની સાથે મોહનીયા જેવો મિત્ર હોય તે ક્યારેય નાસીપાસ પણ ન થાય અને બોર્ડમાં નાપાસ થાય પણ જિંદગીમાં તો હરગીઝ નહીં.પણ હવે રોહનિયા પાસે છુટક મજુરી કામ કરવા સિવાય બીજો કોઇ માર્ગ પણ ન હતો.આથી તે તો લાગી ગયો જે મળે તે કામ કરવા. આ દરમિયાન મોહનીયો તો બોર્ડમાં પણ આવી ગયો અને ડિસ્ટીંકશન સાથે પાસ પણ થઇ ગયો.

આ દરમિયાન રોહનિયાને જિંદગીએ ઘણું શીખવ્યું અને પરિપકવ થવાની ઉંમર ન હોવા છતાં તેનામાં થોડા અનુભવી માણસ જેવા લક્ષણો આવી ગયા.તેને લાગતુ કે હું તો મજુરી કરવા જન્મ્યો છું, પણ આ મારો જીગર તો કાલ સવારે ડૉક્ટર કે એન્જીનીયર થઇ જશે અને કાયમી સંબંધોમાં પણ કદાચ એક અંતર આવી જશે.પરંતુ તે તો કાજળઘેરી રાત્રિમાં પણ ટમટમતા તારલા જેવો હતો. બન્નેની દોસ્તીનાં મૂળ કબીર વડ જેટલા ઉંડા હતાં. મોહનિયાની ટેવ કાયમી કટુ સત્ય કહેવાની રહી.આમ તો તે કડવા ઝેર લીમડા જેવો સ્વાસ્થ્ય માટે હંમેશા શ્રેષ્ઠ. સાલુ હવે મોહનીયો રોહનિયાને મજુરી કરતા જોઇ ન શક્યો અને જોર જબરદસ્તીથી ત્રણ વર્ષબાદ ફરીવાર બોર્ડની પરિક્ષામાં બેસાડ્યે પાર કર્યો. તેના આ મિત્રને પાસ કરાવવા ચોરી કરવાની પણ સલાહ આપી દીધી અને પુરતી તૈયારીઓ પણ કરાવી.તેની આ જોરજબરદસ્તીએ મિત્રને કાળી મજુરીમાંથી ઉગારી અને ફરીવાર સરસ્વતીનાં હવાલે કર્યો. જેનો વિદ્યા દેવીએ પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો. હવે તેના આ એક નિર્ણયની અસર એવી થઇ કે પેલો બબુચક,મેલોઘેલો અને ભોળો ભટ્ટાક છાપ છોકરો થોડો સુસંસ્કૃત અને પ્રાણીમાંથી માણસ પણ થયો.મોહનિયાએ તેના આ મિત્રને માત્ર એસ.એસ.સી નહીં પણ જિંદગી પાસ કરાવી દીધી અને જીવનભર રોટી કમાતો કરી દીધો. એક મિત્રની શું તાકાત હોય શકે તે રોહનિયાથી વધુ કદાચ જુજ લોકો જ જાણી શકે.

ત્યાર બાદ તો રોહનિયાની જિંદગીમાંથી અંધકારની વિદાય થઇ ગઇ હોય તેમ તેણે પણ ક્યારેય પાછુ વળીને ન જોવાનો નિર્ણય કર્યો. નિરાશ રોહનિયાને મોહનીયો સતત વિવેકાનંદનાં અદભૂત વાક્યો સંભળાવતો અને તેનો માર્ગદર્શક બની ગયો. કોઇપણ મુશ્કેલી હોય મોહનિયા પાસે કાચી સેકન્ડમાં તેનો ઉકેલ રહેતો(આજે પણ છે).એક દોસ્ત માટે તે કાયમી દંભી સગલાઓ સામે મિત્રનો પક્ષ લેતો,લે છે અને લેશે, ખાતરી છે. રોહનીયો નવરી આઇટમ હતો ત્યાં સુધી મોહનિયાની કોલેજથી કે હાઇસ્કૂલથી પરત ફરવાની રાહ જોઇને બસસ્ટેશનનાં ઓટા ઘસતો.

હવે સવાલ થશે કે શું આ બન્ને મિત્રો વચ્ચે એકવાર પણ ઝઘડો થયો નહીં?તણખા ઝર્યા કરતા બાકી ક્યારેય અબોલા થયા નહીં.વિચારોથી પાછા બન્ને એકબીજાનાં કટ્ટર દુશ્મનો. રાજનીતિથી લઇને સિનેમા સુધીનાં વિચારોમાં તદ્દન ભારોભાર વિરોધાભાસ.તેમછતાં 'બને ચાહે દુશ્મન જમાના હમારા સલામત રહે દોસ્તાના હમારા...' 

હંમેશા 'તેરી હાર મેરી હાર તેરી જીત મેરી જીત...'માં માનતા આ બન્ને મિત્રો વડવાઇની જેમ વીંટળાઇને રહ્યા છે, બંન્નેએ આ દરમિયાન કોલેજ પુરી કરી લીધી.ત્યાર બાદ એક આઇટી એન્જીનિયર અને બીજો બી.કોમ બાદ પત્રકારત્વમાં આવ્યો.બન્ને મિત્રો પોતાને મનગમતા ક્ષેત્રની મજા ઉઠાવે છે. બન્નેએ  કારકિર્દી પણ પૈસા, દબાણ, સલાહ કે દેખાદેખીથી પસંદ કરી નથી પરંતુ જે કામ કરવાની મજા આવે તેની પસંદગી કરી. 

હાલ તો બન્ને ત્રીસીમાં છે અને હજુ પણ એક છત નીચે જ રહે છે.જોકે, છત હવે પડુ પડુ છે(ભાડાના મકાનનો સ્લેબ તૂટવાને આરે છે).આ બન્નેનું પણ 'જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રહેવુ ભાડાનાં મકાનમાં..'. અરે હાં ચાલો થેલા પેક કરવાનો સમય આવી ગયો છે અને રાતનાં 3 વાગી ગયા છે.સવારે આ ખંઢેર જેવું પણ દિલમાં વસેલુ ઘર ખાલી કરવાનું છે.મોહનીયો તો પોતાના વતનની મુલાકાતે ગયો છે તે દર અઠવાડીયે જન્મભૂમિને પ્રણામ કરવા જાય છે. તો શું થયું રોહનીયો તો છે. તેના માટે તો 'સબ ભૂમિ ગોપાલ કી' છે. આ મોહનીયો એટલે મોહીત નિમ્બાર્ક અને રોહનીયો એટલે નવોસવો બ્લોગર બનેલો હું પોતે.  

14 comments:

  1. વોરાજી આખો લેખ વાંચ્યા પછી છેલ્લે થયેલા પ્રસ્ફોટમાં જાણ્યું કે આતો તમારી હકીકીત છે. બાકી એક વાર્તા કે કહાની હોય એવી અનુભૂતિ થઈ....લેખ બતાવે છે કે તમારામાં એક સારો આત્મકથાકાર છુપાયેલો છે....ખેર એ પણ એના સમયે બહાર આવશે...બાકી આ શરૂઆત માટે માટે ખૂબ ખૂબ અભિનંદન....આ તો હજુ પાશેરામાં પહેલી પૂણી છે....પણ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત...

    ReplyDelete
  2. wah.....adbhujt.....no more words to say.......

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. વાહ રાજભા વાહ,,,, ફિલ્મોના નામ સાથે શબ્દોનો શુમેળભર્યો સંગમ એટલે readvirginwords...
    અને બ્લોગના ઈન્ટ્રો માટે તો સલામ છે બોસ...

    ReplyDelete
  5. KAKA EK HAYDRABAD NI STORY LAKHO

    ReplyDelete
  6. આપના બ્લોગ સાથેની અમારી દોસ્તી પણ અણનમ રહે

    ReplyDelete
  7. ખૂબજ સુંદર. દોસ્તી સાથે વણાયેલી જિંદગી આંખો સમક્ષ તરતી હોય તેવો અદભુત બ્લોગ. Waiting For Your Next 'Virgin Words'.... એક વસ્તુ હું ચોક્કસથી વાંચવા માગીશ, અને એ છે તમારો સંઘર્ષ. જે તમે વિરપૂરની શાકભાજીની ગલીઓમાં કર્યો તે... આશા છે કે એ સંઘર્ષના કઠણ શબ્દો તમે કેવી રીતે અર્પો છો..!

    ReplyDelete
  8. ""Fill your paper with the breathings of your heart.""

    As one of the well know poet William Wordsworth said the above sentence I will like to say the same for your blog ......

    "Fill your BLOG with the breathings of your heart."

    ReplyDelete
  9. Best Filmografic Timeline Knitting With Childwood Story

    ReplyDelete
  10. I really loved your blog Rajesh.......nice written and really very good story . I just got attached with your blog and now I am very eagerly waiting for your new post

    ReplyDelete
  11. Really Awesome work ...... mast maja padi gai tamari aa story vanchi ne ..... mare e janvu to k su thai che pachi tamaro Slab tute che k nahi .....

    ReplyDelete
  12. ખુબ સરસ ખુબ સરસ............... ઘણા બધા બ્લોગ વાંચીય પણ આ બ્લોગ માં કઈક ખાસ લાગ્યું ............. તમારા બ્લોગ એ તો મારી એક જૂની મિત્રતા ની યાદ આપવી દીધી , બસ હવે તમારી નવી કોઈ સ્ટોરી નો ઇન્તજાર ચાલુ છે

    ReplyDelete
  13. અદભૂત લખાણ, સરળ છતા મજેદાર શબ્દો, મનમોહન દેસાઈની જેમ ટાઈમિંગનું વર્ણન ગમ્યું, બ્લોગ ઉપરથી લાગ્યું કે ભણતર કરતા ગણતર જીવનમાં ખુબજ જરૂરી છે. એક બ્લોગર તરીકે ફક્ત લેખો અને અલક મલકની માહિતીઓ પોસ્ટ કરવા કરતા પોતાની વાત અને જાત અનુભવો રજૂ કરવા તે સારી ક્વોલિટી ગણાવી શકાય. ઓલ ધી બેસ્ટ.....કીપ ઈટ અપ..!!!! :)

    ReplyDelete
  14. really nyc...
    frm my janmbhumi- virpur

    ReplyDelete