Wednesday, April 23, 2014

બુદ્ધ, રામ, લક્ષ્મણ-મોદીઃ પત્નીઓને પીડવવી પુરૂષોનો રાષ્ટ્રીય શોખ?

વીકઓફને દિવસે સાંજે 6 વાગ્યાની આસપાસ ઘરના ઓટલે એકલો બેઠો હતો. એવામાં 6-7 મહિલાઓ એક ચર્ચામાં મશગુલ હતી.આ ચર્ચામાં વારંવાર પરણિત પણ પતિ વિહોણી સ્ત્રીની વેદનાની વાતો ચાલી રહી હતી.મને થયું આવું તો ચાલતુ હોય તેમાં આપણે શું પંચાતમાં પડવું, પણ એક ક્ષણ મને વિચાર આવ્યો આવા કિસ્સાઓ તો ઘણા બને છે.એવામાં લગભગ એક 45-50 વર્ષીય મહિલાએ મગજ પર ભાર આપી યાદ કર્યું અને એક વાત શરૂ કરી. આ વાત સાંભળવા માટે હું પણ બે ઘડી ઉભો રહ્યો. આ મહિલાની વાત કંઈક આ રીતે શરૂ થઈ અમારા ગામમાં પણ અમુક સ્ત્રીઓના પતિ 5-7 વર્ષે દેશ-વિદેશમાં ભટકીને આવતા અને ક્યારેક તો બીજી સ્ત્રી સાથે સંબંધો પણ બાંધી લેતા અને પત્ની બાળકોના તો ખબર અંતર પણ પૂછતા નહીં.

આ સમયે સવાલ થયા કરતો કે, આ પ્રકારની સ્ત્રીઓની મનોદશા શી હશે.જેમાં નવી નવી વાતો સામે કોઈ કહે શું કરે બિચારી એકલપંડે માયાવી સંસારનું ગાડું ગબડાવ્યે રાખે, તો બીજી હાજર રહેલી મહિલાએ કીધુ તો શું તેણે તો આ પ્રકારના પુરૂષ સાથે ડિવોર્સ લઈ લેવા જોઈએ.વળતો પ્રત્યુતર આવ્યો ના ભાઈ ના સમાજમાં કેટલાય સવાલો ઉભા થાય. અમારી જ્ઞાતિમાં આવુ તો ના ચાલે. આ સ્ત્રીઓ કોઈ 21મી સદીની થોડી છે. આજની છોરીઓ જુઓ કેવી સ્વતંત્ર થઈ જીવે છે, પણ આપણા જમાનામાં તો માતા-પિતાનો જ હુકમ હોય સાસરિયે ગમે એટલી તકલીફ પડે પણ પિયરમાં તમારા રોદણા રડવા આવવું નહીં. અલગ થઈને પિયરે જવાની તો વાત જવા દો, બાપુજીનો હુકમ હોય કે રસ્તામાં કુવો આવે તો તેમાં પડી જજે પણ અહીં ન આવતી. હવે બીચારી જાય પણ ક્યાં? તેના લગ્નને તો ત્રણ-ત્રણ દાયકા થઈ ગયા છે.આ ચર્ચામાં જ એક યુવતી જોડાઈ અને બોલી પુરૂષ છોડીને ચાલ્યો જાય તો સ્ત્રીએ સહન કરવાનું અને સાંભળવાનું, સ્ત્રી પુરૂષને છોડીને ચાલી જાય તો પણ સ્ત્રીએ જ ભોગવવાનું.ભલા પુરૂષોને આવી છુટ કોણે આપી?

એવામાં વચ્ચે એક આધેડવયની મહિલા બોલી છોડીને જતા રહે તેવા પતિઓ કરતા તો સાથે રહીને ભલેને જે કરવું હોય તે કરે.આ પ્રકારના પતિઓ કરતા તો દારૂડીયા અને જુગારિયાઓ સારા.આ ચર્ચા થોભવાનું નામ લેતી ન હતી.

સાંજ પડી મારો મિત્ર ઘરે આવ્યો એટલે સ્વભાવિક છે કે આખા દિવસના ગામ ગપાટાની વાત થઈ.આ પ્રકારના મુદ્દાઓમાં મને ખાસ કંઈ ઉંડી ગતાગમ પડે નહીં એટલે તેને પૂછ્યું કે, રામ તો સીતાને વનમાં પણ સાથે લઈ ગયા હતાં, તો આ બધા રામની સીતા મુદ્દે કેમ ટીકા કરે છે?.ઘણાંને એવો પણ સવાલ થાય છે કે એક ધોબીની વાત સાંભળી ફરી વનવાસ આપ્યો. તેનો માંડીને જવાબ આપ્યો કે, પહેલા તો તમે રામને ભગવાન તરીકે મુલવો નહીં, તે ઈશ્વર પછી પહેલા રાજા હતાં. તેણે ધોબી(આમ આદમી)ને ગંભીરતાથી લેવો પડે, આ તેનું કર્તવ્ય છે. તો અગ્નિ પરિક્ષા કેમ લીધી? આ સવાલનો જવાબ રામ આપી શકે,પણ એક એવો જવાબ આપી શકાય કે જો રામને પત્નીના ચારિત્ર્ય પર શંકા હોય તો તેને હજારો મુશ્કેલીઓ પાર(સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગયા) કરી લંકા સુધી લેવા કેમ પહોંચ્યા.આ જ તો આદર્શ પુરૂષ રામની ખાસિયત છે.

ભારત વર્ષના મહાન પાત્રોમાં આવા દાખલાઓ એક ઢુંઢો તો મિલે હજાર જેવુ છે.ચાલો હજુ એક બે ડગલા આગળ વધીએ. શ્રેષ્ઠ ભાતૃ ભક્ત તરીકે લક્ષ્મણના ઉદાહરણો આપવામાં આવે છે, પણ પતિ તરીકે?ભાતૃભક્તિમાં પતિધર્મ ચૂકી ગયા?.પતિ વિના 14 વર્ષ જીવવુ ભલભલી સ્ત્રીઓ માટે દોહ્યલું બની જાય.સીતા તો પતિ ધર્મનું બહાનું કાઢી રામ સાથે ચાલી નીકળા પણ ઉર્મિલા ન ગઈ.તેની પાછળ પણ તેનો મોટો ત્યાગ હતો,જો તે લક્ષ્મણ સાથે વનની વાટ પકડત તો લક્ષ્મણને મોટાભાઈને સેવામાં પણ વિઘ્ન પડત.હવે લક્ષ્મણની ભાતૃ ભક્તિ મોટી કે ઉર્મિલાનો પત્ની ધર્મ તે તો વાચકો જ નક્કી કરી શકે.તેમછતાં લક્ષ્મણનો ભાતૃ પ્રેમ સૌ કોઈને યાદ રહ્યો અને ઉર્મિલાનો પતિ પ્રેમ?કદાચ આપણા સમાજની પુરૂષવાદી માનસિકતાને કારણે આવુ બધું ભુલી જતા હઈશું.મૈથિલિ શરણ ગુપ્ત અને કુમાર પંકજ જેવા કવિઓએ તો ઉર્મિલાની પીડા કવિતા દ્વારા વ્યક્ત કરી છે. કુમાર પંકજે લખેલી કવિતામાં ઉર્મિલાનું કંઈક આમ દર્દ છલકાઈ છે,જેમાં રામ 14 વર્ષે અયોધ્યા આવ્યા છે અને ઉર્મિલાને કહે છે કે હવે તો વનવાસ સમાપ્ત થઈ ગયો છે અને લક્ષ્મણ પરત આવ્યા છે, મંગળ ગીતો ગવાઈ રહ્યા છે, તુ હવે શા માટે ઉદાસ છો? અને ઉર્મિલા તેનો ઉત્તર આપે છે.... 

मन की उलझन को कैसे समाधान दूँ
एक अभिशप्त सुख को क्या वरदान दूँ
बाद बरसों के उत्सव का मौसम है पर
किस तरह अपने आंसू को मुस्कान दूँ

આવી બધી વાતો સમજવા માટે કા તો સ્ત્રી તરીકે જન્મ લેવો પડે અથવા સ્ત્રી હ્રદયથી જીવવુ પડે. પત્નીને પીડા આપવામાં ભગવાન બુદ્ધ પણ કંઈ પાછળ નથી. યશોધરા જેવી પત્નીને છોડીને ચાલી જવામાં ક્ષણનો પણ વિચાર કર્યો નહીં. ભગવાન બુદ્ધે અનેક સવાલોના જવાબો આપ્યા પણ 12 વર્ષે સત્યની ખોજ કરી પરત ફર્યા ત્યારે પત્ની યશોધરા સામે જીભને જેલમાં પુરી દીધી.યશોધરાએ તેમના સવાલોની તોપો ધણધણાવી. યશોધરાએ બુદ્ધને પૂછ્યુ તમે જે જંગલમાં જઈને મેળવ્યું તે શું અહીં મળી શકે તેમ ન હતું.ભગવાન ના પણ પાડી શકે નહીં, સત્ય તો દરેક જગ્યાએ વ્યાપેલુ છે.તેમાં પણ તે તો સત્યને ઘોળીને પી ગયા હતાં, એટલે તે તો જવાબ આપવાની ભૂલ પણ ન કરે.તેમણે આંખો ઝુકાવી દીધી. મૈથિલિ શરણ ગુપ્તે કવિતામાં યશોધરાની વેદનાને વાચા આપી છે. તો તમે પણ વાંચો આ પંક્તિઓ

सखि, वे मुझसे कहकर जाते,
कह, तो क्या मुझको वे अपनी पथ-बाधा ही पाते?

मुझको बहुत उन्होंने माना
फिर भी क्या पूरा पहचाना?
मैंने मुख्य उसी को जाना
जो वे मन में लाते।

सखि, वे मुझसे कहकर जाते।
स्वयं सुसज्जित करके क्षण में,
प्रियतम को, प्राणों के पण में,
हमीं भेज देती हैं रण में -
क्षात्र-धर्म के नाते।
सखि, वे मुझसे कहकर जाते।

પત્નીને પીડા આપવી કદાચ પુરૂષોનો રાષ્ટ્રીય શોખ હશે.આ તો સૈકાઓ પહેલાના ઉદાહરણો છે,બાકી યશોધરાથી જશોદા સુધી કંઈ કેટલીય સ્ત્રીઓએ પતિ પીડા ખમવી પડી છે.હાં પાછી સહનશક્તિ પણ નોબલ પ્રાઈઝ મેળવે એવી હો,આમાંની કોઈ સ્ત્રીએ ક્યારેય પતિ સામે ફરિયાદ પણ કરી નથી.

આ મનોમંથન ચાલતુ હતું ત્યાં વચ્ચે મિત્રએ ટપકી કહ્યું આ ઈતિહાસની ક્યાં ચર્ચા કરવાની જરૂર છે.આપણી સામે મોદી અને જશોદા બહેનનું ઉદાહરણ હાજર જ છે.જોને 42 વર્ષે પત્ની તરીકેની માન્યતા મળી તે પણ ચૂંટણી પંચના પરિણામે.જો આ નિયમ ન થયો હોત કદાચ જીવનભર પત્નીની માન્યતા ન મળત.આ ચાર દાયકા દરમિયાન જશોદા બહેને કેવી કેવી સ્થિતિમાંથી પસાર થવુ પડ્યું હશે તે તો કલ્પના જ કરવી રહી.સ્ત્રીની એકલતાની પીડા શું હોય તે કદાચ મોદી અનુભવી પણ નહીં શકે.મોદીએ પણ કોઈ જલસા કરવા કે એશ આરામની જિંદગી માટે ઘર છોડ્યું ન હતું, તેઓ રાષ્ટ્ર માટે ભેખ લઈ નીકળી પડ્યા હતાં.રાષ્ટ્રધર્મ નિભાવવામાં કદાચ પતિ ધર્મ ભુલી ગયા હશે.તેમછતાં મુખ્યમંત્રીએ વર્ષો બાદ પત્નીનો સ્વીકાર કર્યો તે પણ જશોદા બહેન માટે પીડારૂપ જ રહ્યો હશે, કમ સે કમ તેને વર્ષો પહેલા પત્ની માની લીધા હોત તો જશોદા બહેનનું દર્દ હળવુ થઈ જાત.આજે વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે તેઓ બીજીવાર જશોદા બહેનનો પત્ની તરીકે સ્વીકાર કરશે.

No comments:

Post a Comment