Saturday, May 10, 2014

નૈના નીર બહાયેઃ વારાણસી, વોટર અને વિધવાઓ

ધણણણ...ધણણણ, ઝાલરની ઝણઝણાટીઓ બોલી રહી છે. દીપ પ્રજ્વલિત થઈ રહ્યા છે, બ્રહ્મમૂહુર્તનો સમય છે.હર હર ગંગેનો નાદ સંભળાઈ રહ્યો છે. છ હજાર વર્ષ જુની નગરીના રંગો મેઘધનુષી અને માણસો મોજીલા છે.ભારતને જો જાણવું અને જોવું હોય પણ સમય ન હોય તો આ શહેરમાં ફરી લેવુ.આ નગરી છે જ એવી.જેના પર કંઈ કેટલીય કવિતા અને ફિલ્મી ગીતો પણ લખાયા છે અને હવે એક નવો અધ્યાય લખી રહ્યું છે.ભારતીય રાજનીતિનો સ્તો.જી હાં 'હમ હૈ બનારસી બાબુ'. કાશી કહો ચાહે વારાણસી. દેશમાં ઘણાં શહેરો એવા છે જેના બે-ત્રણ બે-ત્રણ નામો હોય, પણ તમામ નામથી સૌ વાકેફ ન હોય. આ શહેર જ એવુ છે જે ત્રણ નામથી ઓળખાય છે. નાના હતાં ત્યારે એક કહેવત સાંભળી હતી કે, 'સુરતનું જમણ અને કાશીનું મરણ'.કળા અને સાહિત્યથી ભર્યું ભાદર્યું અને આર્થિક રીતે કંગાળ.કદાચ ગંગાજીને સરસ્વતી મળ્યા પણ લક્ષ્મીજી રૂઠ્યા હશે.

તુલસીદાસજી, કબીર, બિસ્મિલ્લાહ ખાન,લાલ બહાદુર શાસ્ત્રી, પંડિત રવિશંકર અને સિતારા દેવી જેવા કંઈક દિગ્ગજો આ શહેરના ઓક્સિજન પર જીવ્યા છે.આગામી 16 મે સુધી કદાચ દેશમાં આ એક માત્ર શહેર છે એવુ વાતાવરણ થઈ ગયુ છે, વારાણસીના વાદળો દેશ પર છવાઈ ચુક્યા છે.તેમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડનગરથી વાયા વડોદરા થઈ વારણસી પહોંચ્યા છે.એક સમયે ચા વેચતા મોદી મતદારોને ચા પાઈને બનારસી પાન ખવડાવવાની વેંતરણમાં છે.

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચીપકાવી દે કહેવાય નહીં
આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો આ ઘટનાઓ
આખે આખો નકશો ક્યારે બદલાવી દે,કહેવાય નહીં


સિદ્ધહસ્ત કવિ રમેશ પારેખે લખેલી આ કવિતા વારાણસી પર એકદમ બંધ બેસે છે.હાલની સ્થિતિમાં પણ સંકેતો, અફવાઓ અને ચહેરા પર બીજો ચહેરો ચીપકાવાઈ રહ્યો છે.શહેરના ચહેરા પર પણ બીજો ચહેરો છે, એટલે ચહેરે પે ચહેરા જેવુ થઈ રહ્યું છે.કાશી ટપાલીના થેલા જેવું બિન સાંપ્રદાયિક છે.ટપાલીના થેલામાં કંકોત્રી, મેલો(મરણના સમાચાર આપતો પત્ર), તમામ જ્ઞાતિ અને જાતિઓ આ થેલામાં કોઈને કોઈ પ્રકારે સાથે હોય છે. બસ તો આપણું આ કાશી પણ એવુ જ છે.અહીં તવાયફો,ગણિકાઓ,વિધવા, વિદ્વાનો, સંગીતકારો, હિન્દુ અને મુસ્લિમ એક શહેરમાં કોઈપણ જાતની સુગ વિના વર્ષોથી વસતા આવ્યા છે.વારણસીમાં વસતા માણસને વેનિસની કોઈ પડી ન હોય. આ શહેર અંગે ઘણાં સમયથી એક આવ્યા કરે છે કે, તેને ગુજરાતીમાં કહો તો 'વ' અને અંગ્રેજીમાં 'V' સાથે ઘરોબો છે કે લેણું છે.આ બેઠક પર ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડનગરના, વારણસી સિવાય વડોદરાથી પણ ચૂંટણી લડે છે.અરે, હા ભાઈ હા એક ફિલ્મી કનેકશન પણ છે.

આ શહેર પર આધારિત એક 'વોટર' ફિલ્મ પણ બની જે પાછી વિધવાઓ પર આધારિત હતી, છેને 'વ'નું જોર. દીપા મહેતાની અદભૂત ફિલ્મ 'વોટર'ને લઈને ખૂબ વિવાદો થયેલા કટ્ટરવાદી હિન્દુઓએ ફિલ્મના શૂટિંગને લઈ ખૂબ જ વિરોધ કર્યો. ફિલ્મનો કેમ વિરોધ? તેની પાછળ પણ એક કથા. આ ફિલ્મ હિન્દુ બાળ વિધવાઓની સ્થિતિ પર આધારિત હતી, જેનો કેટલાક જડસુઓ વિરોધ કરી રહ્યાં હતાં.તો ચાલો શા માટે આ ફિલ્મ બની અને તેનો વિષય વિધવાઓ હતો, તો વારાણસી અને વિધવાઓને શું લેવાદેવા છે.વધુ એક વી કનેકશન. ભારતમાં વિધવાઓની સ્થિતિ વારાણસીમાં જ ખરાબ છે એવુ નથી વૃંદાવનની પણ એજ હાલત છે. આ બે શહેરો જેટલા અદ્યાત્મિક અને ધાર્મિક એટલા જ અંદરથી કલંકિત છે.દીપા 'વોટર'નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના પર કટ્ટરવાદીઓ હુમલો કર્યો. આ મામલો ખૂબ ચગ્યો.ફિલ્મમાં એવુ શું હતું કે, હિન્દુ કટ્ટરવાદીઓએ વિરોધ કરવો પડ્યો?આ વાત તો જે વાચકોએ ફિલ્મ જોઈ હશે તેને સમજાઈ ગઈ હશે,પણ વાસ્તવમાં વારાણસીમાં વિધવાઓની સ્થિતિ શું છે?

તો ચાલો કરો આગળ વાંચવાનું શરૂ. ચૂંટણી અને ઉત્સવના માહોલ વચ્ચે કેટલાય આશ્રમોમાં ગમગીની છે.અહીં લાખો વિધવાઓની જિંદગીના કપાળ પર લાલ બિંદીને બદલે કાળી ટીલી લાગી હોય તેમ લાગે છે.વિધવાઓના ઘણાં પ્રકાર છે.અહીં તમને 7 વર્ષથી લઈને 70 વર્ષીય વૃદ્ધા વિધવા જોવા મળે.હિન્દુ જીવન પદ્ધતિની જેટલી ઉત્તમ બાબતો છે એનાથી કદાચ વધુ કાળી છે.યુગપુરૂષ અને રાષ્ટ્રભક્ત સંન્યાસી વિવેકાનંદે એકવાર કહેલું કે, 'જે ધર્મ વિધવાઓના આંસુ ન લુંછી શકે તેમાં મને વિશ્વાસ નથી'.વિધવાઓના આંસુ લુંછવા માટે કોણ આગળ આવશે? મોદી, અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી કે મુલાયમસિંહ?.કદાચ એકેય નહીં. દરેક વિધવાની એક વાર્તા છે. આશ્રમમાં રહેતી આ વિધાવાઓમાં કોઈને સંતાનો દ્વારા ઘરમાં કાઢી મુકવામાં આવી છે,તો કોઈને જમાઈઓએ.તો કોઈ તેમના પરિવાર પર બોજો બનવા માગતી ન હોવાથી અહીં આવી છે.આ તમામમાંથી મોટા ભાગની વિધવાઓ વચ્ચે એક સામ્યતા છે.

તેમાની મોટાભાગની વિધવાઓના લગ્ન 6-7 વર્ષે થઈ ગયા હોય છે અને તેના પતિનું 10-12 વર્ષની ઉંમર થવા સુધીમાં મૃત્યુ પણ થઈ ગયુ હોય છે.આ ઉંમરે પતિ શું તે પણ ખબર હોતી નથી, તેમાં આ પરંપરાઓ ભાર નીચે દબાવુ તો મૃત્યુ સમી બાબત છે.માણસ માટે ખોરાક જેટલુ જ મહત્વ શારીરિક અને માનસિક ભૂખ અને હુંફનું છે.7 વર્ષે લગ્ન થયા બાદ તે માતા-પિતા સાથે લગભગ 4 વર્ષ સુધી રહે છે, ત્યાર બાદ તેને આણુ વારવાની પરંપરા છે.11 વર્ષે પતિને મળવાનું બને છે, પણ વધુ એક પરંપરાના પાપે વધુ એક વર્ષ અલગ થવુ પડે છે. આ દરમિયાન પતિ સાથે સુવાની કે વાત કરવાની મનાઈ હોય છે,એવામાં પતિનું કોઈ કારણોસર મૃત્યુ થઈ જાય છે.પરંતુ તેને ખબર હોતી નથી કે તે ફરીવાર લગ્ન પણ કરી શકતી નથી.તે અભ્યાસ માટે શાળાએ પણ જઈ શકે નહીં અને ઘરબેઠા ભણવાનું હોય છે.માત્ર વૈરાગી જીવન જીવવાનું.પરંતુ માતા-પિતાના મૃત્યુ બાદ આફતનું આભ ફાટે છે,આ સમયે તેની પાસે વારણાસી આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

આ કથિત વૈરાગ્ય દરમિયાન તેના માથાના વાળ ઉતારી લેવામાં આવે છે અને સફેદ સાડી પહેરવાની ફરજ પડે છે.મસાલેદાર ભોજન નહીં કરવાનું, પુરૂષો સાથે વાત નહીં કરવાની, ઉત્સવ નહીં મનાવવાનો.ટૂંકમાં કહીએ તો જીવવાનું નહીં પણ રોજે રોજ મરવાનું. જેમાંની વિધવાઓને તો એવુ મગજમાં ઠસાવાય છે કે, કંઈ પૂર્વ જન્મના પાપોને કારણે તે વિધવા બની છે.મોટા ભાગની વિધવાઓને બીજીવાર લગ્ન કરવાની ઈચ્છા પણ રહેતી નથી,ઘણી વિધવાઓના બીજા વિવાહ થયા હોય છે.પરંતુ તેમની ખરાબ હાલતને જોઈ મોટાભાગની વિધવાઓ બીજીવાર પરણવા માટે તૈયાર થતી નથી.વારાણસીમાં સરકારી અને સામાજિક સંસ્થાઓના આશ્રમો આવેલા છે.ગંગાજીને નમવા જે એક સ્ત્રી છે પણ વિધવાઓનું અપમાન કરે.આપણે કેવો સમાજ સર્જી રહ્યા છીએ?આ વિધવાઓ પણ ગંગાસ્વરૂપ જ છે. જો તેને કોઈ જોઈ જાય તો પણ તેને અપશુકન માનવામાં આવે છે.તો ઘણી વિધવાઓને દેહ વેપાર કરાવવામાં આવતો હોવાની પણ ઘટનાઓ સામે આવતી રહે છે.

આશ્રમોમાં વિધવાઓ ધાર્મિક માન્યતાઓને કારણે રહે છે, પણ હિન્દુ જીવન પદ્ધતિમાં આવી કોઈ પરંપરા હોય તે માનવુ મુશ્કેલ છે.કદાચ દિમાગ વિનાના લોકોએ આવી કોઈ પરંપરા શરૂ કરી હશે. જોકે વૃંદાવન કરતા વારાણસીની વિધવાઓની સ્થિતિ થોડે ઘણે અંશે સારી છે.અહીં સંસ્થાગત માળખુ છે. સંસ્થાઓને ગ્રાન્ટ પણ સરળતાથી મળી શકે છે.વિધવાઓ માટે સુલભ ઈન્ટરનેશનલ પ્રશંસનીય કામગીરી બજાવે છે.આ સંસ્થા અમુક વિધઓને મહિને 2000 રૂપિયા પેન્શન આપે છે.દેશમાં કુલ 4 કરોડથી વધુ વિધવાઓ છે, એટલે કે દેશની મહિલાઓની વસ્તીના 10 ટકા તો વિધવાઓ જ છે.જેમાંની અનેક જિંદગી બદ્દતર થઈ છે અને ગુજારો કરવા દેહ પણ વેચવો પડે છે.વિધવાઓની કુલ સંખ્યાના 28 ટકા જ પેન્શન પાત્ર છે.ગ્લોબલ મિનિસ્ટ્રી ફાઉન્ડેશન મુજબ 85 ટકા વિધવાઓના કુપોષણને કારણે મૃત્યુ થાય છે.જ્યારે ઘણી વિધવાઓને તો માત્ર થોડુ ફ્રુટ ખાઈને દિવસ પસાર કરવો પડે છે.ખાસ કરીને ગરીબ પરિવારની વિધવાઓને વધુ યાતનાઓ સહન કરવી પડે છે.


એક વાત નોંધવા જેવી એ કે, ઈન્દીરા ગાંધી વિધવા બન્યા બાદ દેશના વડાપ્રધાન બન્યા.તો યુપીએ સરકાર ચેરપર્સન સોનિયા ગાંધી પણ વિધવા જ છે.રાજ્યસભાના સાંસદ અને અભિનેત્રી રેખા પણ વિધવા છે.તો વિધવાઓનો દોષ શું?રાજકીય ઢોલબાજી અને નારબાજી વચ્ચે આ વિધવાઓનું કોણ સાંભળશે?.સવાલ તો સવા અબજનો છે, પણ વજન પાંચીયા જેટલુ.

મૂળ બિહારના મોતીહારના રહેવાસી 90 વર્ષીય બિન્દેશ્વરી દેવીએ તો નરેન્દ્ર મોદી કે અરવિંદ કેજરીવાલનું નામ પણ સાંભળ્યું નથી. પરંતુ શાંતિસિંહા નામના 70 વર્ષીય વિધવા રાજકીય રંગોથી થોડા પરિચિત છે.તેમણે કહ્યું કે વડાપ્રધાન મનમોહનસિંહે ગરીબો માટે કંઈ કર્યું નથી.તેમણે કહ્યું હતું કે,'ગરીબો કી જાન લે લી ઉસને'.તેમણે કહ્યું તેણે મોદીનું નામ સાંભળ્યું છે. નરેન્દ્ર મોદી અંગે વાત કરતા કહે છે કે,'હા મેં તેમને ટીવી અને સમાચાર પત્રોમાં જોયા છે.તેમના અંગ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ તેઓ અમારા માટે કંઈ કરશે ખરા?'.વારાણસીની વિધવાઓ આ સવાલ વર્ષોથી કરતી આવી છે.પરંતુ તેને કોઈ જવાબ મળ્યો નથી.બસ ગંગા કિનારે આશ સાથે ઉભેલી વિધવાઓ કોઈ ઉદ્ધારકની રાહ જોઈ ઉભી છે.  

No comments:

Post a Comment